ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે પરંતુ ઇન્ટરનેટ સ્પીડમાં ભારત પાક.થી પણ પાછળ – Kranti Sandesh
સ્પેશ્યલ

ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે પરંતુ ઇન્ટરનેટ સ્પીડમાં ભારત પાક.થી પણ પાછળ

મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં ભારતને 138માંથી 131મો ક્રમ મળ્યો હતો. અહેવાલ પ્રમાણે ભારત કરતાં તો પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં વધારે સારી સ્પીડ આવે છે. ઓકલાના સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્ષમાં જણાયું હતું કે ભારતમાં માત્ર 10.65 એમબીપીએસની સ્પીડ છે, જ્યારે દુનિયાની એવરેજ 35 એમબીપીએસ છે.

સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્ષમાં 138 દેશોના મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ માપીને રેન્ક અપાયો હતો. 138માંથી ભારતને 131મો ક્રમ મળ્યો હતો. ‘ડિજિટલ ઈન્ડિયા’ની સ્પીડ 10.65 એમબી પ્રતિ સેકન્ડ હતી. દુનિયામાં સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 35 મેગા બાઈટ પર સેકન્ડ નોંધાઈ હતી.

ભારત કરતાં પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં વધારે સારી સ્પીડ આવે છે. પાકિસ્તાનમાં મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ 13.08 એમબીપીએસ હતી અને પાકિસ્તાનને 118મો ક્રમ મળ્યો હતો. શ્રીલંકાને 22 એમબીપીએસની સ્પીડ સાથે 83મો નંબર મળ્યો હતો. નેપાળ ભારત કરતા એક ક્રમ આગળ રહ્યું હતું. નેપાળમાં 10.78 એમબીપીએસની સ્પીડ નોંધાઈ હતી.

સાઉથ કોરિયાએ પહેલો નંબર મેળવ્યો હતો. સાઉથ કોરિયામાં 121 એમબીપીએસની સ્પીડ નોંધાઈ હતી. ઓસ્ટ્રેલિયા 66.45 એમબીપીએસની સ્પીડ સાથે બીજા નંબરે હતું. સાઉથ કોરિયામાં બીજા ક્રમના ઓસ્ટ્રેલિયા કરતાં બમણી ઝડપ આવે છે.

કતાર, નોર્વે અને યુએઈ મોબાઈલ ઈન્ટરનેટની બાબતે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે રહ્યા હતા. અમેરિકાનો સમાવેશ ટોપ-10માં થયો ન હતો. 36.23 એમબીપીએસની સ્પીડ સાથે અમેરિકાને 35મો રેન્ક અપાયો હતો.

પાછલા રેન્ક્સમાં ભારતની આસપાસ કંબોડિયા, ફિલિપાઈન્સ, વિયેટનામ, જોર્ડન જેવા દેશોના નામ હતા. અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે દરરોજ સરેરાશ સસ્તા ડેટા આપવાની બાબતમાં ભારત આગળ પડતું છે. ભારતમાં મહિને સરેરાશ 50થી 60 જીબી મોબાઈલ ઈન્ટરનેટ ડેટા ગ્રાહકને મળે છે, પરંતુ એ પૂરૂં કરવા જેટલી સ્પીડ અવેલેબલ નથી!

Tags
Show More

Related Articles

Back to top button