ભારતીય અર્થતંત્રમાં આ વર્ષે ધબડકો, જીડીપી માઈનસ 10.3 ટકા રહેશે : IMF

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, જેથી વૈશ્વિક અર્થતંત્ર ઘેરી મંદીમાં સપડાયું છે. આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ માઈનસ 4.4 ટકા રહેશે. ભારતના અર્થતંત્ર પર કોરોના મહામારીની ઘેરી અસર થઈ છે.
આથી આ વર્ષે તેમાં ધબડકો જોવા મળી શકે છે અને જીડીપી માઈનસ 10.3 ટકા રહેવાનો અંદાજ છે. 2020માં વિશ્વમાં માત્ર ચીનમાં 1.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ આગાહી કરી છે. વર્લ્ડ બેન્કે પણ આ વર્ષે ભારતનો જીડીપી માઈનસ 9.6 ટકા રહેવાની આગાહી કરી છે.
આઈએમએફે તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં જણાવાયું છે કે કોરોના મહામારીના કારણે અસરગ્રસ્ત ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2020માં 10.3 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આ જ સમયમાં વૈશ્વિક અર્થતંત્રમાં 4.4 ટકાનો ઘટાડો આવવાની સંભાવના છે.
જોકે, ભારતીય અર્થતંત્ર આગામી વર્ષે એટલે કે વર્ષ 2021માં 8.8 ટકાની અસાધારણ વૃદ્ધિ સાથે પુનરાગમન કરી શકે છે અને તે ચીનને પાછળ છોડીને ઝડપથી ઊભરતા અર્થતંત્રનો દરજ્જો ફરીથી હાંસ કરી શકે છે. 2021માં વૈશ્વિક અર્થતંત્રમાં 5.2 ટકાની જોરદાર વૃદ્ધિનું અનુમાન કરવામાં આવ્યું છે.
આઈએમએફ અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પહેલાં વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક જાહેર કરતાં આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, વર્ષ 2020માં અમેરિકાના અર્થતંત્રમાં 5.8 ટકાનો ઘટાડો આવે તેવી સંભાવના છે જ્યારે આગામી વર્ષે તેમાં 3.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે.
આઈએમએફે દાવો કર્યો છે કે કોરોનાના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર સર્જાયેલી કટોકટી દૂર થવામાં ઘણો લાંબો સમય લાગશે. જોકે, તેણે ચીનના અર્થતંત્રમાં જોવા મળેલા ઝડપી સુધારા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
તેનું કહેવું છે કે વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં માત્ર ચીન જ એક એવો દેશ હશે, જેમાં 1.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. 2021માં ચીનનો પ્રોજેક્ટેડ ગ્રોથ 8.2 ટકા છે. આઈએમએફે તેા રિપોર્ટમાં જણાવ્યું છે કે બીજા ત્રિમાસિક સમયમાં ભારતના અર્થતંત્રમાં અપેક્ષા કરતાં વધુ પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.
આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, વિશ્વના અનેક દેશોમાં લોકડાઉનના નિયમો હળવા કરાયા છે અને સેન્ટ્રલ બેન્કોએ ઝડપથી નીતિવિષયક સહાયો પૂરી પાડી છે. પરીણામે વૈશ્વિક અર્થતંત્ર આ વર્ષના પ્રથમ છ માસમાં તેના તળીયેથી બેઠું થઈ રહ્યું છે. બીજા ત્રિમાસિકમાં કટોકટીની ટોચના સમયની સરખામણીમાં રોજગારીમાં આંશિક સુધારો થયો છે. જોકે, રોજગારી કોરોના મહામારી પહેલાંના સ્તર કરતાં ઘણી ઓછી છે.
ત્રીજા ત્રિમાસિકમાં વૈશ્વિક અર્થતંત્રમાં મજબૂત સુધારાના સંકેત મળે છે, પરંતુ વિકાસશીલ અને ઊભરતા અર્થતંત્રોમાં મંદીના વાદળો આ સુધારા પર પ્રભાવ પાડી શકે છે. આઈએમએફના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વમાં ભારતને સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે. તેનું કારણ ભારતનું ઊંચું તાપમાન હોઈ શકે છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ઠંડા પ્રદેશો એવા યુરોપ, ઉત્તર અણેરિકા અને પૂર્વ એશિયાના દેશોને એકંદરે ઓછું નુકસાન થવાની શક્યતા છે.