સરકાર કોરોનાનો ડેટા છુપાવી રહી છે, પેહલા અમદાવાદમાં અને હવે સુરતમાં ચાલુ થયો માહિતી છુપાવવાનો ખેલ – Kranti Sandesh
Headlinesગુજરાત

સરકાર કોરોનાનો ડેટા છુપાવી રહી છે, પેહલા અમદાવાદમાં અને હવે સુરતમાં ચાલુ થયો માહિતી છુપાવવાનો ખેલ

અનલોક-૨ના અત્યાર સુધીના છ દિવસમાં રોજ રેકોર્ડબ્રેક કેસોનો સિલસિલો સપ્તાહને અંતે પણ ચાલુ રહ્યો છે. મંગળવારે ૨૯ જિલ્લાઓમાં કોવિડ-૧૯ના ૭૭૮ પોઝિટીવ રિપોર્ટ મળતા કેસોની સંખ્યા વધીને ૩૭,૬૩૬એ પહોંચી છે. તેમાંય સુરતની સમૃધ્ધિને જાણે કોઈની નજર લાગી હોય સૌથી વધુ ૨૪૯ એટલે કે લગભગ ત્રીજાભાગના કેસ નોંધાયા છે. ગોલ્ડન કોરિડોર ગણાતાં વડોદરાથી વલસાડ વચ્ચેની પટ્ટીમાં જ એક જ દિવસમાં ૪૭૦ પોઝિટીવ કેસ મળ્યા છે. જે ૭૭૮ના ૬૦ ટકા જેટલા થવા થાય છે.

લોકડાઉન પછી આર્થિક પ્રવૃતિઓ અને સામાજિક કામકાજ માટે નિયમોના પાલનની શરતો વચ્ચે છુટછાટો આપ્યા બાદ ગુજરાતમાં માત્ર ચેપગ્રસ્તોની સંખ્યા જ નહી બલ્કે ચીની વાઈરસને કારણે નાગરીકોના મૃત્યુ પણ વધી રહ્યા છે. મંગળવારે એક જ દિવસમાં ૧૦ જિલ્લામાંથી ૧૭ જેટલા દર્દીઓએ દમ તોડયાનું આરોગ્ય વિભાગે જાહેર કરતા ગુજરાતમાં અત્યાર સુધીમાં આ મહામારીને કારણે ૧૯૭૯ નાગરીકોને જીવ ગુમાવવો પડયો છે. કોરોના કહેરના ૧૧૨માં દિવસે ગુજરાતમાં નવા ઉમેરાતા ચેપગ્રસ્તોની સામે ૪૨૧ દર્દીઓને ડિસ્ચાર્જ મળતા અત્યાર સુધીમાં કૂલ ૨૬,૭૪૪ નાગરીકો સાજા થઈને ઘરે પહોંચ્યાનો દાવો અખબારી યાદીમાં કરવામાં આવ્યો છે.

ગોલ્ડન કોરિડોર જ નહી, વિતેલા ૨૪ કલાકમાં ફરી એકવાર રાજકોટમાં એક સાથે ૪૦ જેટલા પોઝિટીવ કેસ વધ્યા હતા. ભાવનગરમાં સળંગ બીજા દિવસે ૨૧, લાંબા સમય બાદ કચ્છમાં ૧૪ કેસ મળતા સૌરાષ્ટ્ર- કચ્છમાં સળંગ ૬ઠ્ઠા દિવસે ૯૦થી વધારે ચેપગ્રસ્તો નોંધાયા છે. અમદાવાદને અડીને આવેલા ગાંધીનગરમાં વધુ ૧૮, મહેસાણામાં ૧૫ સહિત ઉત્તર ગુજરાતમાં ૫૬ અને વડોદરા આસપાસના મધ્ય ગુજરાતમાં ૯૫ કેસ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ સ્ફોટક બની રહી છે.

ભાજપના કાર્યકરો નેતાઓને ખુશ કરવા સોશ્યલ મિડિયામાં તેમની તસ્વીરો સાથેની પોસ્ટ કટ- કોપી અને પેસ્ટ કરીને આગળ ફોરવર્ડ કરે રાખે છે તેવી જ અદાથી આરોગ્ય વિભાગ પણ કોરોના જેવી ભયાવહ મહામારીની વિગતો જાહેર કરવામાં છબરાડા કરે રાખે છે. મંગળવારે પણ આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ સોમવારના મૃત્યુની વિગતો સાથે ૧૮૧મી અખબારી યાદી જાહેર કરી હતી. જો કે, આ બાબત પત્રકારોને ધ્યાને આવતા ૨૦ જ મિનિટમાં આખી યાદી બદલીને નવેસરી સુધારેલી માહિતી જાહેર કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ અત્યાર સુધીમાં અનેક વખત આવી ગંભીર બેદરકારીઓનું પ્રદર્શન કરી ચૂક્યો છે.

રિકવરી રેટમાં અમદાવાદ આગળ, સુરતમાં માત્ર ૭૬ દર્દી જ ડિસ્ચાર્જ

પહેલીવાર મંગળવારે સુરતમાંથી ૨૪૯ નવા દર્દીઓ સામે માત્ર ૭૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે રિકવરી રેટમાં આગળ વધી રહેલા અમદાવાદમાં એક દિવસમાં નવા નોંધાયેલા ૧૮૭ કેસોની સામે ૧૨૪ને ડિસ્ચાર્જ મળ્યુ હતુ. જો કે, આ બેઉ શહેરોમાં અનુક્રમે ૨૧૦૦ અને ૩૫૦૦થી વધારે દર્દીઓ સારવાર હેઠળ છે. ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં પણ સૌથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. આથી ગુજરાતમા પહેલીવાર એક્ટિવ કેસોની સંખ્યા નવ હજારને નજીક ૮૯૧૩એ પહોંચી છે. જે પૈકી ૬૧ દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવા પડયાની છેલ્લી માહિતી આરોગ્ય વિભાગે જાહેર કરી છે.

જામનગર અને મોરબીમાં બીજું, દ્વારકામાં ત્રીજું, ગાંધીનગરમાં ૩૧મું મોત

પહેલીવાર આરોગ્ય વિભાગે એક સાથે ૧૦ જિલ્લાઓમાં સારવાર હેઠળના દર્દીના મોતની પૃષ્ટી મંગળવારે કરી હતી. અમદાવાદમાં પાંચ મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૧,૪૯૬એ, સુરતમાં વધુ ૩ દર્દીના મોત સાથે કુલ ૧૯૧ અને ગાંધીનગરમાં વધુ એકના મોત સાથે કુલ ૩૧ દર્દીઓ જીંદગી હારી ચૂક્યા છે. જામનગરમાં એક સાથે બેના મોત થતા કુલ ૭ના મોત થયા છે. ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકામાં ત્રીજા, મોરબીમાં બીજા દર્દીનું મોત થયું હતું. સળંગ બીજા દિવસે બનાસકાંઠા અને ખેડામાં વધુ એક-એકના મોત થતા બંને જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૧૪-૧૪ થયો છે. રાજકોટમાં પણ ૧૪મા દર્દીએ દમ તોડયો હતો. પાટણમાં ૧૭મું અવસાન થયુ હતુ.

શનિવારે સુરતમાં મુખ્યમંત્રી અને ડે.CMને મળેલા ધારાસભ્યને ચેપ લાગ્યો !

સુરતના કામરેજ મતક્ષેત્રના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ છે. શનિવારે તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પણ હાજર હતા. ભાજપમાં અગાઉ અમદાવાદના ત્રણ ધારાસભ્યોને પણ ચેપ લાગ્યો હતો.

દર્દીઓની સારવાર માટે ૨૦ હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યોઃ ડે.CM

કોરોનાના ચેપગ્રસ્તો પૈકી ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ ઝડપથી સાજા થાય તે ઉદ્દેશ્યથી સરકાર એક પણ પૈસો લીધા વગર ટોસિલીઝુમેબ ઈન્જેક્શન આપી રહી છે. હાલમાં વૈશ્વિક સ્તરે તેની તિવ્ર અછત છે. ઉપરાંત રેમડિસીવીરનો જથ્થો ઝડપથી મળે તે માટે અમે ૨૦,૦૦૦ ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે એમ ના.મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button