ગુજરાત સરકારનાં જીસેક હસ્તકના વીજએકમોની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે – Kranti Sandesh
Headlinesગુજરાત

ગુજરાત સરકારનાં જીસેક હસ્તકના વીજએકમોની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે

ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદને પગલે કૃષિ ક્ષેત્રે વીજળીની માગ ઘટતાં, કુલ વીજખપત ૧૪,૫૦૦ મેગાવોટથી ઘટીને ૧૧,૨૦૦ મેગાવોટથી પણ ઓછી થઈ ગઈ છે. ઊર્જા વિભાગે વેબસાઇટ ઉપર વીજળીની માહિતી મૂકવી બંધ કરી દીધી છે, તેને કારણે ખેતીવાડી ક્ષેત્રે પહેલા કેટલી વીજળી મળતી હતી, અને હવે કેટલી પ્રાપ્ત થાય છે તે બધી વિગતો ઉપલબ્ધ નથી. જો કે ગુજરાત સરકારનાં જીસેક હસ્તકના વીજએકમોની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે. કુલ ૬,૩૧૬ મેગાવોટની ક્ષમતા પૈકી ૫,૫૧૮ મેગાવોટની ક્ષમતાવાળા ૨૧ પ્લાન્ટ બંધ હાલતમાં છે.

કુલ ૭૯૮ મેગાવોટની ક્ષમતાવાળા માત્ર પાંચ એકમો જ અત્યારે ચાલુ હાલતમાં છે અને એમાંય પીએસએફ માંડ ૨૫ ટકા જેટલો જ છે. જે ચાલુ હાલતમાં પ્લાન્ટ છે એમાં ૨ નાના પ્લાન્ટ કચ્છ લિગ્નાઇટ કંપનીના, ધુવારણનો ૧ ગેસ આધારિત પ્લાન્ટ તેમજ ૨ હાઇડ્રો એકમો સામેલ છે. જે વીજએકમો રિઝર્વ શટડાઉનને નામે બંધ કરાયા છે તેમાં ભાવનગરના ૨૫૦-૨૫૦ મેગાવોટના ૨ લિગ્નાઇટ પ્લાન્ટ તથા ગેસ આધારિત ધુવારણના ૧૧૨ મેગાવોટ તથા ૩૭૬ મેગાવોટના એકમો સમાવિષ્ટ છે. જ્યારે ગાંધીનગરના ૨૧૦ મેગાવોટના એક એવા ૩ એકમો, વણાકબોરીના ૨૧૦ મેગાવોટના એક એવા ૭ એકમો, વણાકબોરીનું નવું ૮૦૦ મેગાવોટનું થર્મલ એકમ, ઉકાઈ થર્મલના ૨૧૦ મેગાવોટના એક એવા ૩ એકમો, ઉકાઈનું ૫૦૦ મેગાવોટનું થર્મલ એકમ તેમજ સિક્કાના ૨૫૦ મેગાવોટના એક એવા ૨ એકમો પણ તદ્દન બંધ હાલતમાં છે. ટૂંકમાં રાજ્યમાં વીજળીની માગ મહ્દઅંશે ખાનગી એકમોની તથા સેન્ટ્રલ સેક્ટરની વીજળી મેળવી પૂરી થઈ રહી છે અને સરકારી વીજતંત્ર ખાડે ગયું છે.

 

Show More

Related Articles

Back to top button