નરેશ કનોડિયાની વરવી વિદાયથી ગુજરાત રાજકારણમાં છવાયો શોક, ‘અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે’

નરેશ કનોડિયા – એક એવું નામ જેનાથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર, ઉમદા સંગીતકાર અને સવાયા રાજકારણી તરીકે તે ઓળખાતા હતા. તેમની વરવી વિદાયથી ગુજરાતી સિનેમા સાથે જોડાયેલા લોકો તો શોકમગ્ન છે સાથે ગુજરાતી રાજકારણમાં પણ દુખનો માહોલ છવાયો છે.
અભિનેતા અને રાજકરણી નરેશ કનોડિયા અંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કરાત ટ્વિટ કરી કે, ‘ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે,
આ પહેલા પણ સીએમ રૂપાણીએ ટ્વિટ કરી હતી કે, ‘ધારાસભ્ય શ્રી હિતુભાઇ કનોડીયા સાથે ટેલિફોનીક વાત કરીને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદ્ગતી અર્પે તેમજ પરિવારને અને સર્વે શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના. ૐ શાંતિ…’
રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘બંન્ને ભાઇઓ ગીત સંગીત અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગોમાં ખૂબ જ ઉંચા સ્થાને પહોંચેલા હતા. આ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે આ બંન્ને ભાઇઓ હૃદયથી જોડાયેલા હતા.બંન્ને્ ભાઇઓ જેમ રામ લક્ષ્મણની જોડી હોય તેમ હંમેશા સાથેને સાથે દરેક સામાજિક કાર્યમા, પ્રજાકિય કામમાં કે ફિલ્મ જગતનાં કામમા સતત કાર્યરત રહેતા હતા. જ્યારે પણ નરેશભાઇ કોઇ પ્રચાર સભામાં હાજર રહેવાના હોય તો ત્યાં તેમને જોવા , સાંભલવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા. તેવી લોકપ્રિય જોડી તેમની હતી.’
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, સી. આર. પાટીલે દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘ગુજરાતી ફિલ્મોનાં અભિનેતા નરેશભાઇ કનોડિયાનાં દુખદ અવસાનનાં સમાચારથી વ્યથિત છું. વેલીને આવ્યા ફૂલ, ઢોલામારુ, જોગ-સંજોગ જેવી એમની ફિલ્મો સદાય યાદ રહેશે. ઇશ્વર એમનાં દિકરા હિતુભાઇને અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે અને નરેશભાઇનાં દિવંગત આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.’
રાજ્ય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘ગુજરાતી ફિલ્મોનાં અભિનેતા નરેશભાઇ કનોડિયાનાં દુઃખદ અવસાનનાં સમાચારથી વ્યથિત છું. ઇશ્વર એમનાં દિકરા હિતુભાઇને અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે અને નરેશભાઇનાં દિવંગત આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.’