ચંદ્ર પર આપણી ધારણા કરતાં વધારે પાણી, અવકાશયાત્રીઓ વાપરી શકશે – Kranti Sandesh
સ્પેશ્યલ

ચંદ્ર પર આપણી ધારણા કરતાં વધારે પાણી, અવકાશયાત્રીઓ વાપરી શકશે

અમેરિકી સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ જાહેર કર્યું હતું કે ચંદ્ર પર આપણી ધારણા કરતા વધારે પાણી છે. એટલું વધારે કે ભવિષ્યના અવકાશયાત્રીઓ ચંદ્ર પર જશે ત્યારે તેનો ઉપયોગ કરી શકશે. જોકે આ પાણી ધરતી પર હોય એમ પ્રવાહી સ્વરૂપે નથી, પરંતુ ચંદ્રની માટીમાં બરફના કણો સ્વરૂપે છે.

ચંદ્ર પર પાણી છે એ તો સૌ પ્રથમવાર ભારતના ચંદ્રયાને 2009માં જ સાબિત કરી આપ્યું હતું. પરંતુ હવે નાસાના ‘સ્ટ્રેટોસ્ફિક ઓબ્ઝર્વેટરી ફોર ઈન્ફ્રારેડ એસ્ટ્રોનોમી (સોફિયા)’ ટેલિસ્કોપ દ્વારા પાણીના જથ્થા અંગેે નવી ખોજ કરવામાં આવી છે.

નાસાના વિજ્ઞાાનીઓએ જણાવ્યું હતું કે ચંદ્ર પર ધારણા કરતાં ક્યાંય વધારે પાણી મળ્યું છે, જેનો ભવિષ્યમાં ઉપયોગ કરવો અશક્ય નથી. આ પાણી કણો સ્વરૂપે છે અને શક્ય છે કેે જમીનમાં વધારે ઊંડા ઉતરીએ તેમ વધારે કણો પણ મળી આવે.

દરમિયાન બીજી ટીમે ચંદ્ર પર 40 હજાર ચોરસ કિલોમીટરનો એવો વિસ્તાર શોધી કાઢ્યો હતો, જ્યાં કાયમી ધોરણે અંધકાર રહે છે. અંધકારનો અર્થ એવો થયો કે જમીનમાં બરફ-પાણીના કણો વધારે હોઈ શકે. કેમ કે સૂર્યના કિરણો આવે તો સપાટી પર રહેલું પાણી બાષ્પ બની ઉડી જઈ શકે. ચંદ્રનો અંધકારયુક્ત ભાગ છે, ત્યાં તાપમાન માઈનસ 163 ડીગ્રી સુધી નીચું નોંધાય છે.

નાસાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ચંદ્ર પર પાણી છે એમ કહીએ ત્યારે લોકો એવુ ધારી બેસે કે ધરતીની જેમ વહેતુ પાણી હશે. પણ એવું નથી, આ પાણી અલગ સ્વરૂપે છે, છતાં ઉપયોગી તો છે જ. ચંદ્ર પર પાણી હોવા અંગે વિવિધ બે સંશોધન પત્રો રજૂ થયા હતા, જેના આધારે નાસાએ આ દાવો કર્યો હતો. નાસાએ સરખામણી રજૂ કરતા કહ્યું હતું કે સહારાના રણની જમીનમાં પાણી છે, તેના કરતા ચંદ્ર પર 100 ગણુ ઓછુ પાણી છે. પણ પાણી છે ખરા.

દરમિયાન શુક્ર પર જીવનની સાબિતી આપતો ફોસ્ફાઈન ગેસ હોવા અંગેનું સંશોધન રજૂ થયું છે. ફોસ્ફાઈન ગેસ સામાન્ય રીતે સૂક્ષ્મ જીવો દ્વારા પેદા થતો હોય છે. પૃથ્વી પર છે તેના કરતાં અનેકગણો વધારે ફોસ્ફાઈન ગેસ શુક્ર પર મળ્યો છે. જોકે બીજી તરફ કેટલાક સંશોધકોનું એવુ પણ કહેવુ છે કે ફોસ્ફાઈન ગેસની હાજરીના પૂરતા પુરાવા મળ્યા નથી. જો ગેસ હોય તો શુક્ર (વિનસ)ના ભેંકાર વાતાવરણમાં કોઈક સૂક્ષ્મ તો સૂક્ષ્મ સજીવો હોઈ શકે. ફોસ્ફાઈનની હાજરી પાકી કરવા નાસા ભવિષ્યમાં શુક્ર પર મિશન મોકલવાની તૈયારી કરે છે.

નાસાએ ચંદ્ર પર પાણી શોધવા જે ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો એ સોફિયા હકીકતે વિમાનમાં ફીટ થયેલું ટેલિસ્કોપ છે. બોઈંગનું 747 પ્રકારનું વિમાન છે, જે 45000 ફીટની ઊંચાઈએ ઉડી શકે છે. તેના પડખામાં ખાંચો પાડીને ત્યાં ટેલિસ્કોપ ફીટ કરી દેવાયું છે. આ વિમાન ઉડતું રહે એને તેનું ટેલિસ્કોપ આકાશી પદાર્થોની માહિતી એકઠી કરતું રહે એવું નવતર આયોજન નાસાએ કર્યું છે.

Tags
Show More

Related Articles

Back to top button