અમેરિકામાં રહેતા ભારતીય સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઉભી થાય તેવા એંધાણ – Kranti Sandesh
Headlinesદેશ / વિદેશ

અમેરિકામાં રહેતા ભારતીય સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઉભી થાય તેવા એંધાણ

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે

કુવૈત બાદ હવે અમેરિકામાં રહેતા ભારતીય સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઉભી થાય તેવા એંધાણ છે. કોરોના મહામારીના કારણે ચાલી રહેલા ઓનલાઈન ક્લાસરૂમ આ વિદ્યાર્થીઓને ભારે પડી શકે છે. અમેરિકન સરકારે આદેશ કર્યો છે કે, જે વિદ્યાર્થીઓના દરેક ક્લાસ ઓનલાઈન ચાલી રહ્યા છે તેમણે તેમના દેશ પરત ફરવું પડશે.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે. તેમા 2 લાખથી વધારે ભારતીય છે. અહીં સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીનથી આવે છે. ત્યારપછી બીજા ક્રમે ભારતીયો છે. ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટૂડન્ટ્સ માટે F-1 અને M-1 કેટેગરીના વિઝા આપવામાં આવે છે.

યુએસ ઈમિગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસના કારણે ઉભી થયેલી સ્થિતિના કારણે તેમને આ પગલું લેવુ પડ્યું છે. ડિપાર્ટમેન્ટે તેમના નિવેદનમાં કહ્યું છે કે, એવા વિદ્યાર્થીઓ કે જેમના દરેક ક્લાસ ઓનલાઈન થઈ ગયા છે, તેઓ હાલ અમેરિકામાં નહીં રહી શકે. જો તેઓ એવું કરશે તો તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

હાલ કોઈ નવા વિઝા નહીં

નિવેદનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અમેરિકન વિદેશ વિભાગ તે વિદ્યાર્થીઓને હાલ વિઝા નહીં આપે જેમના ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન પરમિટ પણ આ વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં નહીં આવે.

અમેરિકાની યુનિવર્સિટીમાં ઓનલાઈન ક્લાસિઝ માટે એનરોલ થયેલ વિદ્યાર્થીઓ F-1 કેટેગરીના વિઝા ધરાવે છે. આ વિદ્યાર્થીઓને હવે વિઝા માન્ય નહિ ગણાય. નવું સેમેસ્ટર આગામી સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે. એ અરસામાં અમેરિકામાં કોરોના મૃત્યુઆંક 1.70 લાખ થશે તેવી ધારણા છે. એ સંજોગોમાં ટ્રમ્પ પ્રશાસન ફરજિયાત શૈક્ષણિક કાર્ય શરૂ કરાવીને વિદ્યાર્થીઓ પરનું જોખમ વધારે છે એવો મત ઈમિગ્રેશન એટર્ની સાયરસ મહેતાએ વ્યક્ત કર્યો હતો.

આટલા લાખ વિદેશી વિદ્યાર્થીઓ

2018-19માં અમેરિકામાં કુલ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા છે. તે અમેરિકામાં હાયર સ્ટડિઝ કરનારમાં 5.5% છે. 2018માં અમેરિકાને વિદેશી વિદ્યાર્થીઓથી 44.7 કરોડ ડોલરની કમાણી થઈ હતી. સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીનના છે. ત્યારપછી ભારત, સાઉથ કોરિયા, સાઉદી અરબ અને કેનેડાનો નંબર છે. 2018-19માં ભારતમાંથી બે લાખથી વધારે વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. ચીનથી 3,69,548 વિદ્યાર્થીઓ અમેરિકા આવ્યા.

Show More

Related Articles

Back to top button