ભારત-અમેરિકા વચ્ચે મિલિટરી ઈન્ફર્મેશનની આપ-લેના કરાર

ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ ડાઈલોગ સિરિઝની ત્રીજી વાટાઘાટો આજે શરૂ થઈ હતી. ટુ પ્લસ ટુ એટલે કે અમેરિકાના બે મંત્રાલય અને ભારતના બે મંત્રાલયો વચ્ચે વાટાઘાટો.
આ વાટાઘાટોમાં ભાગ લેવા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને સંરક્ષણ મંત્રી માર્ક એસ્પર આજે ભારત આવી પહોંચ્યા હતા. તેમની આજે પહેલા દિવસે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત થઈ હતી. બન્ને દેશો વચ્ચે લશ્કરી દૃષ્ટિએ મહત્ત્વનો ‘ધ બેેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ (બીઈસીએ)’ કરાર થયો હતો.
આ કરાર હેઠળ બન્ને દેશો વચ્ચે લશ્કરી માહિતીની આપ-લે થઈ શકશે. તેમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જરૂર પડયે બન્ને દેશો એકબીજાના લશ્કરી ઉપગ્રહોની માહિતી-તસવીરો પણ એકબીજાને પુરી પાડશે. ચીન સામે લડવા માટે આ કરાર અતિ મહત્ત્વપૂર્ણ ગણાય છે.
બન્ને દેશના સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી વચ્ચે અલગ અલગ મુલાકાતો થઈ હતી. સંરક્ષણ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય કરાર ઉપરાંત સરહદે ચીનની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાઈ હતી. જયશંકર અને પોમ્પિયોની વિદેશ મંત્રાલય હેઠળની મુલાકાતમાં બન્ને દેશોના સમાન હિતોની અને અટકેલા પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી હતી.
અમેરિકી વિદેશ મંત્રી પોમ્પિયો પહેલેથી જ ચીનના ટીકાકાર રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે 2018થી આ પ્રકારે ટુ-પ્લસ-ટુ પ્રકારનો વાર્તાલાપ શરૂ થયો છે. આ બેઠક દર વર્ષે ેયોજાય છે. આ વખતની બેઠક સિરિઝમાં ત્રીજી છે. ભારત અને અમેરિકા માટે ચીન દુશ્મન જ છે.
માટે બન્ને દેશો મળીને કામગીરી કરે તો ચીન સામેની લડત સરળ બની શકે. આ બેઠક પછી ચારેય મંત્રીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં મલબાર લશ્કરી કવાયતમાં ભારત-અમેરિકા-જાપાન ઉપરાંત ઑસ્ટ્રેલિયાને સમાવિષ્ઠ કરવાનો નિર્ણય પણ પોમ્પિયોએે આવકાર્યો હતો.