
દરેક ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિ પ્રમાણે ભારતમાં ૨૬.૫ કરોડ લોકો યુટ્યૂબ પર પોતાનું એકાઉન્ટ ધરાવે છે (યાદ રહે આ છએક મહિના જૂના આંકડા છે). આમાંનો બહુ મોટો વર્ગ યુટ્યૂબ પર પોતાના વીડિયો અપલોડ કરે છે. કોમેડી શો, રીવ્યૂ, ટોક શો, ડાન્સ કે સોંગ, વિવિધ પ્રકારની ટીપ્સ જેવું અનેક પ્રકારનું કન્ટેન્ટ યુટ્યૂબ પર સર્જાય છે. આવી ચેનલ્સમાં ફોલોઅર્સની સંખ્યા લાખોથી માંડીને કરોડોમાં હોઈ શકે છે.
વીડિયોમાંથી કમાણી કરવાની પણ તક વધુ
ફોલોઅર્સની સંખ્યા જેમ વધુ તેમ યુટ્યૂબર્સને પોતાના વીડિયોમાંથી કમાણી કરવાની પણ તક વધુ. યુટ્યૂબ પર સારી એવી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા લોકો ઇન્ફ્યુઅન્સલ્સ તરીકે પણ ઓળખાય છે. હવે આવા ધરખમ યુટ્યૂબર્સ સામે એક નવા પ્રકારનું જોખમ ઊભું થયું છે. ન્યુયોર્ક સ્થિત ઇન્ટસાઇટ્સ નામની એક સાયબર સિક્યુરિટી ફર્મના ધ્યાનમાં આવ્યું છે કે બહુ મોટા પ્રમાણમાં ફોલોઅર્સ ધરાવતા યુટ્યૂબ એકાઉન્ટ્સ હેક કરવામાં આવે છે અને પછી ડાર્ક વેબમાં તેની વિગતોની હરાજી કરવામાં આવે છે.
ઓરિજિનલ યુટ્યૂબરનું એકાઉન્ટ બ્લોક કરે છે
જે હેકર સૌથી ઊંચી બોલી લગાવીને હરાજી જીતે તે ઓરિજિનલ યુટ્યૂબરનું એકાઉન્ટ બ્લોક કરે છે અને પછી એકાઉન્ટ અનબ્લોક કરવા માટે યુટ્યૂબર સાથે ખંડણી માંગે છે. હવે યુટ્યૂબ ચેનલમાંથી સારી એવી કમાણી શક્ય બની હોવાથી આવા હેકિંગનો ભોગ બનેલા યુટ્યૂબર પોતાનું એકાઉન્ટ અનબ્લોક કરવા માટે રકમ ચૂકવવા તૈયાર થઈ જાય છે. એ પણ નોંધવા જેવું છે કે ગૂગલ એડસેન્સ અને એડવર્ડ વ્યવસ્થા દ્વારા ઇન્ટરનેટ પર પોતાની જાહેરાત બતાવતી કંપનીઓ અને પોતાની સાઇટ બ્લોગ કે એપ પર જાહેરાત બતાવતા પબ્લિશર પણ આ રીતે એકાઉન્ટ હેકિંગનો ભોગ બનવા લાગ્યા છે.